એક સારા વાર્તાકાર, શિક્ષણકાર, ચિત્રકાર, લેખક, અભિનેતા, પત્રકાર, પર્વતારોહક અને રમતવીર તેવા ઈન્દુભાઈ જીવણલાલ દવેનો જન્મ 9મી સપ્ટેમ્બર 1922માં સૌરાષ્ટ્રના લીમડી ગામમમાં થયો હતો. ભારતમાં જે રીતે ગીજુભાઈ બધેકાએ બાળવિકાસમાં સિંહફાળો આપ્યો છે તે રીતે ઈન્દુભાઈએ ઈસ્ટ આફ્રિકામાં બાળવિકાસના અજોડ કાર્યો કર્યા છે. ઈન્દુભાઈએ સિંચેલો શિશુકુંજનો આ છોડ આજે વિશ્વભરમાં પ્રસર્યો છે.
બાળપણથી ઈન્દુભાઈની ત્રણ મહત્વાકાંક્ષા હતી. એક તો સારી વાર્તાઓ લખવી, બાળકો માટેનું સુંદર સામયિક પ્રકાશિત કરવું અને ગ્રામીણ શિક્ષણમાં વધુ સમય આપવો. હરજીવન સોમૈયાના વાર્તા કથનથી અને ગીજુભાઈ બધેકાના કાર્યોથી પ્રભાવિત એવા ઈન્દુભાઈએ કંરાચીમાં શિશુકુંજ શરૂ કર્યુ ત્યારબાદ 1947 સુધીમાં તો બાળકોની સંખ્યા દર રવિવારે 600 અને કાર્યકરોની સંખ્યા 50 થઈ ગઈ હતી.
દાર-એ-સલામ ગયા પછી તો જાણે દોડવું હતુ ને ઢાળ મળ્યો તે રીતે કંરાચી અને ભારત બાદ ત્યાં શિશુકુંજની પ્રવૃત્તિઓ શરૂ થઈ અને ત્યારબાદ જે રીતે શિશુકુંજ વિસ્તર્યું તેનો તો ઈતિહાસ લખી શકાય.
વર્ષ 2002માં પત્રકાર રજનીકુમાર પંડ્યા દ્વારા લેવાયેલા ઈન્ટરવ્યુમાં ઈન્દુભાઈએ કહ્યું હતું કે “ મારા અનુભવે મને એક સત્ય લાદ્યુ છે કે બાળકોને તમે જે વાત કરો છો એની તેના મનમાં નોંધ થઈ જાય છે. એટલે આપણે જો સારી વાત કરીએ તો બાળકોનો પ્રેમ આપણને મળવાનો જ છે. બાકી આજ સુધી શિશુકુંજમાથી ત્રીસેક હજાર બાળકો પાસ થઈ ગયા હશે પણ મારા જીવનમાં કોઈપણ જાતની વિટંબણાઓ ઉભી થઈ નથી કે મુશ્કેલીઓ આવી નથી. આની પાછળ એક જ ફોર્સ કામ કરતો લાગે છે અને એ છે બાળકોના મૂંગા આશિષ.”
ઈન્દુભાઈએ લખેલા નાટકોમાના શબરી, માધવ ઘેલી મીરા અને ઉડન ખટોલા તમામ દર્શકો અને શિશુકુંજના કાર્યકરો માટે અવિસ્મરણીય છે. ઈન્દુભાઈએ એક સારા ચિત્રકાર તરીકે પણ ખ્યાતી મેળવી છે. દાર-એ-સલામમાં તેમના પેઈન્ટીંગ્સનો વન મેન શો થયો હતો. જે. કૃષ્ણમૂર્તિની પુસ્તિકા ‘એટ ધ ફિટ ઓફ ધ માસ્ટર’ ના આધારે 50 જેટલા ચિત્રો તેમણે થિયોસોફિકલ સોસાયટી માટે બનાવ્યા હતા.
ઈન્દુભાઈનું કહેવું હતુ કે શિશુકુંજ એ શિખવવાની નહી પણ શીખવાની સંસ્થા છે, પછી તે બાળક હોય કે કાર્યકર હોય. આ રીતે વાર્તા કથનના સામાન્ય બીજમાંથી વિકસેલા શિશુકુંજના વૃક્ષને ઈન્દુભાઈએ દિલ-ઓ-જાનથી સિંચ્યુ છે. જેથી શિશુકુંજ આજે દુનિયાભરમાં સુવાસ ફેલાવે છે.